' મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?' નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યાં છે, તો કોઇ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો-હિરોઇન પ્રેમલગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યાં હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યાં હશે. જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરનાં હંસ અને હંસલીને જોઇને ટાઢી થઇ હશે, માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલાં જવાબ નિર્ઝરી તરફથી આવ્યો. લેડીઝ ઓલ્વેયઝ ફર્સ્ટ. બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું... 'સાહેબ, તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઇએ છે, પણ એ પૂછો કે મેં શું જોઇને આવા લબાડ સાથે લગ્ન કર્યાં?' 'આઇ ઓબ્જેક્ટ યોર ઓનર' નિર્ઝરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઊછળી પડ્યો. 'મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિ. સજ્જન શાહને લબાડ કહીને એનું અપમાન...' જવાબમાં નિર્ઝરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્...